વીર સેનાની તાત્યા ટોપે – ૩

મિત્રો જય સ્વામિનારાયણ…

મિત્રો આજે વીર સેનાની તાત્યા ટોપે –૩ આપની સામે રાખવા જઈ રહ્યો છુ.

આ જીવન ચરિત્ર માટે મે એક પુસ્તક “વીર સેનાની તાત્યા ટોપે” નામના આ પુસ્તકનો સહારો લઈને આપની સામે રાખવાની કોશિશ કરી છે. આ પુસ્તકના રચયિતા “રાજન પટણી” સાહેબ છે. મે તેમની સાથે સંપર્ક કરેલ અને મારો પ્રસ્તાવ રાખેલ તો તે ખુશ થયા અને મને આ કાર્ય માટે અનુમતી આપી હતી.

જય સ્વામિનારાયણ.

Image

વીર સેનાની તાત્યા ટોપે

=======================

પ્રસિદ્ધિનો પ્રકાશ

 

તાત્યા ટોપેના પ્રારંભિક જીવન વિશે વધારે માહીતી મળતી નથી. તેમના વિશેની થોડીક વાતો તેમણે તેમની ધડપકડ પછી આપેલ બયાનમાંથી જાણવા મળે છે અને કેટલીક બીજી વાતો તેમના સાવકા ભાઈ રામકૃષ્ણ ટોપેએ ૧૮૬૨માં વડોદરાના સહાયક રેજીડેન્ટ સમક્ષ આપેલ બયાન દ્રારા એકત્રીત કરી શકાય છે.

તાત્યાનું સાચું નામ રામચંદ્ર પાંડુરંગ યેવાળકર હતુ અને ‘તાત્યા’ અને ‘ટોપે’ તો ફક્ત તેમના ઉપનામ હતા. તેમનો પરિવાર નાસિક નજીક પટૌદા જીલ્લાના એક નાનકડા ગામ યેવાળેમાં રહેતો હતો.તેથી તેમની અટક યેવાળકર પડી. ૧૮૫૯માં આપેલ બયાનમાં તાત્યાએ પોતાની ઉંમર ૪૫ વર્ષ બતાવી હતી, એથી જાણવા મળે છે કે તેમનો જન્મ ૧૮૧૩ કે ૧૮૧૪ ની આસપાસ થયો હતો. તેમના પિતા દેશસ્થ બ્રાહ્મણ અને ખુબજ વિદ્રાન હતા. તેમની કુળ પરંપરા અનુસાર જ તેમની વિદ્રત્તા હતી. સારી નોકરીની શોધ માટે તેઓ  સપરિવાર પેશવાઓની રાજધાની પુણે ગયા. પ્રસિદ્ધ દરબારી ત્ર્યંબકજી દેગાળેની સહાયતાથી તેમને અંતિમ પેશવા બાજીરાવ બીજા સાથે પરિચય કરવાનો અવસર સાંપડ્યો અને તેમણે તેઓને પોતાના મહેલમાં પૂજારી સ્વરૂપે નિયુક્ત કર્યા.

પોતાની વિદ્રતા, નિષ્ઠા અને વિવેકબુદ્ધિને કારણે તેઓ આગળ જતા પેશવાના ધાર્મિક વિભાગ અને ગૃહવ્યવસ્થા વિભાગના નિરીક્ષકના હોદા સુધી પહોચ્યા. તાત્યા માંડ ચારેક વર્ષના હતા ત્યારે તેમના પિતાના સ્વામીનું અચાનક ભાગ્યપરિવર્તન થયું. ૧૮૧૮ના વસઈ યુદ્ધમાં બાજીરાવનો અંગ્રેજો સામે પરાજય થયો. તેમનું સામ્રાજ્ય છીનવી લેવાયું. તેમનું વાર્ષિક આઠ લાખ સાલિયાણું મંજૂર કરાયું અને તેમની રાજધાની થી ખુબ જ દૂર બિઠુરમાં રાખવામાં આવ્યા. આવુ એટલા માટે કરવામાં આવ્યું હતું કે જેથી તેઓ પોતાના છીનવાયેલા રાજ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે નવી યોજના ન બનાવે. બિઠુર કાનપુરથી ૧૨ માઈલ દૂરઅ ગંગા કિનારે આવેલ એક સુંદર નાનકડું નગર હતું. જ્યં તેમણે પોતાના માટે એક વિશાળ મહેલનું નિર્માણ કરાવ્યું અને પોતાનો વધુમાં વધુ સમય ધાર્મિક કાર્યોમાં પસાર કરવા લાગ્યા. તાત્યાનો પરિવાર પણ પેશવાની સાથે ત્યા આવી ગયો.

તાત્યા એક મહત્વાકાંક્ષી યુવક હતા. તેમણૅ અનેક વર્ષ બાજીરાવના ત્રણ દત્તક પુત્રો નાનાસાહેબ, બાળાસાહેબ અને બાબા ભટ્ટના સાનિધ્યમાં વીતાવ્યાં. એક વાત પ્રસિદ્ધ છે કે નાના સાહેબ, તેમના ભાઈ,ઝાંસીની ભાવિ રાણી- જેમના પિતા તે સમયે સિંહાસનચ્યુત પેશવાના એક દરબારી હતા અને તાત્યા- આ બધાની આગળ જતાં વિદ્રોહના પ્રખ્યાત નેતા બન્યાં. તેઓ બાળપણમાં સાથે યુદ્ધની રમત રમ્યા કરતાં હતાં અને તેમણે મરાઠાની શૌર્યગાથાઓ સાંભળી હતી, જેના કારણે તેઓને વિદ્રોહ કરવાની પ્રેરણા મળી હતી. આ વાતને કેટલાક ઈતિહાસવિદો ‘અપ્રમાણિક ’ માને છે. તેમના મતે વાર્તાના આ અંશના તાણાવાણા આ વીરોનું સન્માન કરાવવાવાળા દેશપ્રેમીઓના ફળાદ્રુપ ભેજાની ઉપજ છે. પરંતુ આ વાત સાચી છે કે આ બધી વ્યક્તિઓનો પેશવાના પરિવાર સાથે અત્યંત નિકટનો સંબંધ હતો અને તેઓ પોતાની ઉંમર અને સ્થિતિ ભિન્ન હોવા છતાં એકબીજાની નિકટ આવ્યા હશે એ વાતનો ઈન્કાર પણ નથી થઈ શકતો. છિનવાયેલા રાજ્યની સ્મૃતિઓ હજુ તાજી જ હતી, હજું ધુંધળી થઈ ન હતી. સામ્રાજ્યને પુનઃપ્રાપ્ત કરવુ અને પોતાના નુકશાન ને ભરપાઈ કરવું એ નાનાસાહેબ અને તેના ભાઈઓના અનેક યુવા સપનાઓમાંનું એક સ્વપ્ન અવશ્ય રહ્યુ હશે. પાછળથી તે સર્વે પોતાના નિર્બળ પિતાની તુલનામાં ઘણા સારા નેતા સિદ્ધ થયા.

તાત્યાએ થોડુંક સૈનિક પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ, પરંતુ તેમને યુદ્ધનો બિલકુલ અનુભવ નહોતો. તાત્યાએ પેશવાના પુત્રોની સાથે સમકાલિન અન્ય નયયુવકોની જેમજ યુદ્ધ પ્રશિક્ષણ મેળવેલ. સદભાગ્યે ઘેરો ઘાલવાનું અને હુમલો કરવાનું જે પણ જ્ઞાન તેમને હતું તે તેમના કાર્યને બિલકુલ બંધબેસતું ન હતું.

એવું પ્રતિત થાય છે કે ગેરિલા યુદ્ધ મરાઠા જાતિનું સ્વાભાવિક કક્ષણ હતું- તે તેમણે વંશપરંપરાથી જ પ્રાપ્ત કરેલ. આ બાબત તેમણે બ્રિટિશ સેનાપતિઓથી બચવાના કરેલ પ્રયત્નોની પદ્ધતિ પરથી સિદ્ધ થાય છે. રામકૃષ્ણ ટોપેના બયાન મુજબ તાત્યા તેમના પિતાનાં બાર સંતાનોમાંના બીજા ક્રમે હતાં. તેમણે એક સગા અને છ સાવકા ભાઈઓ કુલ સાત ભાઈઓ અને ચાર બહેનો હતી. જોકે તાત્યા તેમની પત્ની અને બાળકો સાથે અલગ રહેતા હતાં, પરંતુ બધાં વ્યવહારિક કાર્યોમાં તેમનો પરિવાર સંયુક્ત હતો.

તાત્યા દેખાવમાં ખુબ સુંદર ન હતા, છતા પણ તેમના વ્યક્તિત્વમાં વિશિષ્ટ આકર્ષણ હતું. જાનલૈંગે જ્યારે તેમને બિઠુરમાં જોયા હતા ત્યારે તે તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા ન હતા. તેમણે તાત્યા વિશે કહ્યું છે કે તેઓ સામાન્ય ઊંચાઈ- લગભગ પાંચ ફુટ અને આઠ ઈંચ અને એકવડા બાંધાના પણ દ્રઢ વ્યક્તિત્વના હતાં, દેખાવમાં સુંદર ન હતા. માથું નીચું, નાક નસકોરા પાસે પહોળું અને દાંત વાંકાચુંકા હતા. તેમની આંખો પ્રભાવશાળી અને ચકોર હતી. જેમકે મોટા ભાગે એશિયાના લોકોની હોય છે. જોકે તેની ઉપર તેમની વિશિષ્ટ યોગ્યતા ધરાવતા વ્યક્તિના સ્વરૂપે કોઈ પ્રભાવ નહોતો પડ્યો.

‘બોમ્બે ટાઈમ્સ’ના સંવાદદાતાએ ગિરફ્તારી પછી તાત્યાની મુલાકાત લીધી હતી. એપ્રિલ ૧૮, ૧૮૪૯ના સંસ્કરણમાં લખ્યું હતું કે તાત્યા ન તો સુંદર છે કે ન કુરૂપ, પણ તેઓ બુદ્ધિશાળી છે. તેમનો સ્વભાવ શાંત અને નિર્બંધ છે તેમનું સ્વાસ્થ્ય સારું અને કદ સાધારણ છે.

અન્ય વર્ણન દર્શાવે છે કે તાત્યાની ભ્રમરો લાંબી, ખેચાયેલી, ગાલના હાડકા ઉપસેલાં અને જડબું પહોળું હતુ જેના પરથી તેમના નિશ્ર્વયાત્મક અને બુદ્ધિમત્તાપુર્ણ મનનો પરિચય મળે છે. તેમના વાળ ગાઢ, વાંકળિયા અને મૂછો પહોળી હતી. તેમને મરાઠી, ઉર્દૂ અને ગુજરાતીનું સારું જ્ઞાન હતું. આ ભાષાઓમાં તેઓ એકધારા બોલી શકતા હતાં. અંગ્રેજી તો ફક્ત પોતાના હસ્તાક્ષર કરવા પૂરતું જ જાણતા હતાં. તેઓ અટકી અટકીને, પણ સ્પષ્ટ, માપી તોલીને બોલતા હતાં. તેમની અભિવ્યક્તિની પદ્ધતિ સરસ હતી અને તેઓ શ્રોતાઓને પોતાની તરફ આકર્ષિત કરી લેતા હતાં. એ સાચું છે કે તાત્યા પોતાના વાકચાતુર્ય અને સમજાવી શકવાની શક્તિને કારણે પોતાના વિરોધીઓની સેનાઓને પણ પોતાના પક્ષમાં કરી લેતા હતાં.

બિઠુરમાં તાત્યાની યોગ્યતાઓ અને મહત્વાકાંક્ષાઓ મુજબ તેમનું સ્થાન યોગ્ય ન હતું અને તેઓ ત્યાં એક સ્વકેન્દ્રી વ્યક્તિ બનીને રહેલ. આ વાત એ તથ્ય પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કાનપુર ગયા અને તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી સ્વીકારી, પણ તરત જ તેઓ હતોત્સાહ થઈને પાછા ફર્યા. થોડા સમય સુધી મહાજનનું કામ કર્યું, પરંતુ પછીથી છોડી દીધું કારણ કે તે તેમના સ્વભાવથી બિલકુલ પ્રતિકૂળ હતું. તાત્યાના પિતા પેશવાના ગૃહપ્રબંધ વિભાગના પ્રધાન હોવાથી તેમને લહિયાની નોકરી મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડી, પરંતુ તેઓ પોતાની આ સ્થિતિથી ખુશ ન હતાં.

એક વાર્તા પરથી જાણાવા મળે છે કે તાત્યાનું નામ ‘તોપે’ કઈ રીતે પડ્યું..? એક કર્મચારીના વિશ્વાસઘાત સંબંધી ષડ્યંત્રની શોધ કરવામાં આ નવયુવક લહિયાની યોગ્યતા, તત્પરતા અને ચાતુર્યથી પ્રભાવિત થઈને પેશવાએ એક વિશેષ દરબારમાં નવ હીરાથી જડેલી એક ટોપી તેમને આપી અને દરબારમાં ઉપસ્થિત લોકોએ ‘તાત્યા ટોપે’ નામથી તેમનો જયજયકાર કર્યો. ૧૮૫૧માં પેશવાના મૃત્યું પછી નાનાસાહેબ બિઠુરના રાજા બન્યા અને તાત્યા તેમના મુખ્ય લહિયા બન્યા. સમાન વિચારધારા હોવાને કારણે તેઓ અગાઉ ક્યારેય ન હતા એટલા એકબીજાની નજીક આવ્યા અને ઝડપથી નાનાસાહેબના અંગત સચિવ તરીકે પ્રસિદ્ધ બની ગયા. તે સમયે કોઈએ એ વાતની કલ્પના પણ નહોતી કરી કે આ નાનકડા અસ્પષ્ટ વ્યક્તિત્વવાળા લહિયાની એક મહત્વપુર્ણ કાર્ય માટે વિધાતાએ નિયુક્તિ કરી છે અને તે પોતાના માટે ભારતીય ઈતિહાસકારના પૃષ્ઠો પર એક મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત કરશે.

– રાજન પટણી…

 

પુસ્તક રચયિતા ઃ રાજન પટણી….
લેખન સંકલન ઃ વિકાસ કૈલા.(૯૫૧૦૬ ૯૫૯૫૦)
ચિત્ર-પ્રતિમા ઃ વિક્રમ ગોહેલ..
બ્લોગ લિંક ઃ- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

6 comments on “વીર સેનાની તાત્યા ટોપે – ૩

  1. અભ્યાસ દરમ્યાન તાત્યા ટોપે વિશે થોડું અભ્યાસક્રમમાં આવતું હતું. પણ એમના જીવન વિશે આટલી સરસ જાણકારી આ લેખ પરથી જ થઈ. સરસ પોસ્ટ.

આપનો પ્રતિભાવ અહી આપતા જજો....